પતંગ મહોત્સવ ગુજરાત
ઉતરાયણ પર્વ - મકરસંક્રાંતિ - Uttarayan Parv - Kite Festival
14 જાન્યુઆરી એટલે ઉતરાયણ પર્વ - સમગ્ર વિશ્વમાં ફક્ત ગુજરાત એક રાજ્ય છે જ્યાં પતંગ ઉડાવીને તમામ ગુજરાતીઓ હોશ-ઉત્સાહથી ઉતરાયણ પર્વ ઉજવે છે. ખાસ કરીને વિશ્વમાં સૌથી મોટો પતંગ મહોત્સવ ગુજરાતના અમદાવાદ શહેરમાં ઉજવવામાં આવે છે જ્યાં ફક્ત ગુજરાત નહિ પણ વિશ્વના ઘણા દેશથી લોકો અહી આ ઉત્સવમાં ભાગ લે છે.
પતંગ મહોત્સવ 2023
- ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા આગામી 8 થી 14 જાન્યુઆરી, 2023 દરમિયાન જી-20 ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આયોજિત કરવામાં આવશે. દેશ-વિદેશના અનેક પતંગબાજો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હિસ્સો લેવા માટે અમદાવાદ આવશે, જેમાં જી-20 દેશોના પતંગબાજો પણ સામેલ થશે.
- અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તા. 8 જાન્યુઆરી, 2023 ના રોજ સવારે 8.00 વાગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ઉપસ્થિત રહેશે.
- આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગનો ભાતીગળ ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન ઊભું કરવામાં આવશે, તેમજ પતંગો બનાવવા અને ઉડાડવા માટેની એક વર્કશોપ પણ આયોજિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન મુલાકાતીઓ માટે દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવશે.
પતંગનો ઈતિહાસ અને વિશેષતા
પતંગ ચગાવવાની રમત વિશ્વના ઘણા દેશોમાં લોકરમત તરીકે પ્રચલિત છે. વાંસની સળીમાંથી બનાવેલા કમાન અને ઢઢ્ઢા ઉપર ડાયમંડ (ચોરસ) આકારનો પાતળો કાગળ ચોટાડી તથા નીચે ફૂમતું લગાવી પતંગ બનાવવામાં આવે છે; અને તેને કન્ના બાંધી દોરી વડે ચગાવવામાં આવે છે. પતંગ બનાવવાનો વિચાર તો ઈ. સ. પૂર્વે ચોથા સૈકામાં ગ્રીક વિજ્ઞાની એરોક્રાઇટસને સૂઝ્યો હતો; પણ પતંગ ચગાવવાની રમત, ત્યારપછી 100 વર્ષે ચીનના લોકોએ શરૂ કરી.
પતંગના ઘણા પ્રકાર છે અને તેની બનાવટ તથા કદને અનુલક્ષીને તેનાં વિવિધ નામ પડેલાં છે. સૌથી નાનો પતંગ તે ‘ફુદ્દી’ અને તેનાથી મોટા પતંગ અનુક્રમે ‘પાવલો’, ‘અડધિયો’, ‘પોણિયો’ અને ‘આખિયો’ – એ નામે ઓળખાય છે. પતંગની આસપાસ તેની ચારેય કિનારીએ દોરી નાખી પતંગનો કાગળ તે દોરી પર ચોટાડી દે છે. તેવા પતંગને ‘દોરીદાર’ પતંગ કહે છે. પતંગ સુશોભિત દેખાય એટલા માટે કેટલીક વખત તે એક જ રંગના કાગળનો ન બનાવતાં જુદા જુદા રંગના અનેક કટકાનો બનાવવામાં આવે છે. આવા પતંગને તેના દેખાવ પ્રમાણે ‘અટા-પટાદાર’, ‘ડોબદાર’, ‘મથ્થાદાર’ – એવાં જુદાં જુદાં નામ અપાય છે.
દિવાળી પૂરી થઈ કે પતંગની મોસમ શરૂ થાય છે તે ઠેઠ મકરસંક્રાતિ સુધી ચાલે છે. પતંગ ચગાવવાનો શોખ ગુજરાતમાં જ નહિ, અન્ય રાજ્યોમાં તેમજ અન્ય દેશોમાં પણ છે. બંગાળમાં દુર્ગાપૂજાથી માંડી વિશ્વકર્માપૂજા દરમિયાન, પંજાબમાં વસંતપંચમીથી હોળી સુધી, તમિળનાડુમાં પોંગલ (નૂતન વર્ષ) દરમિયાન, ઉત્તરપ્રદેશમાં શ્રાવણ મહિનામાં તો મહારાષ્ટ્રમાં દશેરા પહેલાં પતંગો ચગતી હોય છે.
Source : ગુજરાતી વિશ્વકોશ